અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે. પરીક્ષાર્થીઓના આંદોલનને રાજકીય આગેવાનોનો પણ ટેકો મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. આ દરમિયાન અન્ય ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે.




પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલન કરી રહેલ એક વિદ્યાર્થીની તબિયત લથડી છે. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.



બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામા સંભવિત ગેરરીતિની તપાસ માટે રચાયેલ સીટની આજે પહેલી બેઠક મળી હતી. સીટનાં નીમાયેલ ચેરમેન કમલ દયાણીની અધ્યક્ષતામા સભ્યોની બેઠક મળી હતી. કમલ દયાણી, મનોજ શશીધરન, મયંકસિંહ ચાવડા અને જ્વલંત ત્રિવેદી સહિતના ચાર સભ્યોની સીટની રચના કરવામાં આવી છે. દસ દિવસ દરમિયાન સીટ દ્વારા બિન સચીવાલય ક્લાર્ક પરીક્ષામા ગેરરીતિનાં પૂરાવાં અંગે તપાસ કરાશે. દસ દિવસમાં સીટ બિન સચીવાલય ક્લાર્ક પરીક્ષાની તપાસ મુદે રિપોર્ટ રજુ કરશે.