ગાંધીનગર: ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે. હવે ગુજરાત ધારાસભ્યો અને મંત્રીઓ અને અધિકારીઓના નિરામય સ્વાસ્થ્ય માટે એક હેલ્થ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.     

Continues below advertisement

આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે

જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યઓ માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૨૦ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યઓ માટે અને તા.૨૧ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારી0ઓ અને પત્રકારો માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પ વિધાનસભા સંકુલના ચોથા માળે સવારે ૮:૩૦ કલાકથી કાર્યરત થશે. 

Continues below advertisement

સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે ચેક અપ

આ મેડિકલ કેમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે. જેમાં જરૂરિયાત મુજબ બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ અને વ્યક્તિ ચકસ્યા બાદ જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાય તો તે માટે GMERS, મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે. 

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહેશે

તદપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે. આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.