ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  ગાંધીનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  ખૂબ જ લાંબા વિરામ બાદ ગાંધીનગર શહેરમાં વરસાદ વરસ્યો છે.  અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ શરુ થયો છે. ભારે વરસાદને લઈ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે.  અમૂક જગ્યાએ રોડ પર એક ફૂટ સુધીના પાણી ભરાયા હતા. 


લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘમહેર થઈ છે.   અમરેલી, સાબરાકાંઠા, નર્મદામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડેડીયાપાડાના ડુમખલ કોકમ વચ્ચેના પુલ પર  પાણી ફરી વળ્યા છે.  


અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 


અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  અમરેલી જિલ્લાના બગસરા,ધારી,ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા અને ચકરાવા ગામની નદીમાં પૂર આવ્યું છે.  માલણ નદીમાં પૂર આવ્યું છે. ગીગાસણ, દલખાણીયા, કૂબડામાં વરસાદી માહોલ જામ્યો છે.  શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુરમાં વરસાદ વરસી રહ્યો છે. ગોવિંદપુર ગામની પિલુકિયો નદીમાં પૂર આવ્યું છે. નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. 


મેઘાવી માહોલ અમરેલીના બગસરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. બગસરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.  


અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો


ચોમાસાની સિઝનમાં ફરી એક વખત અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે.  શેત્રુંજી નદીમાં પુર આવતા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે. બે દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે.  નિચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.  અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને એલર્ટ કરાયા છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88.99 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછો 55.97 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 82.26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59.22 ટકા વરસાદ વરસ્યો છે.


Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ