હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામી ગયો છે. ત્યારે એક દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે જ્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉંઝામાં 4.5 ઇંચ, વઘઈમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

સુરતમાં ભારે વરસાદથી કિમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કિમ નદીનું પાણી કઠોદરા ગામ વિસ્તારમાં ફરી વળ્યું છે. નદીના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યાં છે. કોસંબાની ત્રણ જેટલી સોસાયટીમાં પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્તર ભારતની જેમ ગુજરાતમાં પણ વરસાદી આંધી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર થયો છે. આવામાં એક દ્વારકાના હડમતીયા ગામની નદીમાં ભારે પૂર આવ્યું અને આ પૂરમાં 3 લોકો તણાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.