ગાંધીનગરઃ નર્મદાના પાણી અને વિજળી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સામસામે આવી ગયા છે. મધ્યપ્રદેશની કોગ્રેસ સરકારે નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસની કમલનાથ સરકારે વીજળીના બહાને પાણી બંધ કરવાની ચીમકી આપી હતી. કમલનાથ સરકારના મંત્રી સુરેન્દ્રસિંહ બઘેલે કહ્યું વિસ્થાપિતોના પ્રશ્નોનું હલ નહી થાય ત્યાં સુધી ગુજરાતને નર્મદાનું પાણી આપવામાં આવશે નહીં. જેની સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વળતો જવાબ આપ્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત પોતાનું પાણી મેળવીને જ રહેશે. ચૂંટણીમાં હારથી આ રમત રમી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઇ પણ ધમકીને વશ નહી થાય તેવી ચેતવણી રૂપાણીએ આપી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે નર્મદાના પાણી પ્રશ્ને રાજકારણ ન કરે. નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદાથી કરવામાં આવી છે, જેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી. મધ્ય પ્રદેશ સરકાર કહે છે કે વીજ ઉત્પાદન કરતાં નથી. પરંતુ હાલ વીજ ઉત્પાદન ચાલુ છે અને તેમાંથી 57 ટકા હિસ્સો આજે પણ મળે છે. ગુજરાત પણ પોતાની રીતે ક્યારેય પણ પોતાની મેળે નિર્ણય લીધો નથી. તમામ ભાગીદાર રાજ્યોને સાથે બેસી નિર્ણય લેવામાં આવ્યા છે.
રૂપાણીએ આરોપ લગાવ્યો હતો કે મધ્યપ્રદેશ સરકાર રાજકીય બદઈરાદાથી આ બધું કરી રહી છે. કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. ભૂતકાળમાં પણ કોંગ્રેસે ડેમ પૂરો કરવા અને દરવાજા મુકવાની મંજૂરી નહોતી આપી. મધ્ય પ્રદેશ અચાનક પુન:વસવાટ ન થવાના આક્ષેપ કરે છે તે રાજકીય બદઈરાદાથી આ કરી રહી છે. મને એવું લાગે છે ગુજરાત પોતાના હકનું પાણી મેળવીને રહેશે. જો મધ્ય પ્રદેશે નિવેદનોથી દૂર રહી પોતાની રજૂઆત નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને કરવી જોઈએ.