અમિત શાહે કહ્યું કે, 12 વર્ષમાં જ આ યુનિવર્સિટીએ ખૂબ સફળતા પ્રાપ્ત કરી છે. મુકેશ અંબાણી પિતાની જેમ એક સારા ઉદ્યોગપતિ સાબિત થયા છે. મુકેશ અંબાણીએ આ સંસ્થાને અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ સંસ્થાને 100 કરોડ રૂપિયાથી વધુ અનુદાન આપશે. 2014 સુધી માત્ર સરકાર ચલાવવાનું કામ થયું પરંતુ દેશ સુધારવાનું કામ ન થયું.આજે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. વડાપ્રધાન મોદીને સંકલ્પ છે કે 2022 સુધીમાં આપણો દેશ વિશ્વના આર્થિક વિકસિત ટોપ ત્રણ દેશમાં સ્થાન પામે.
કાશ્મીરમાંથી કલમ 370 પર વાત કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એક ઝાટકે નિર્ણય લઇ કલમ 370 અને 35 એ દૂર કરી દીધી. આવનારા દિવસોમાં કાશ્મીરમાં ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ આવશે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ અગાઉ મુકેશ અંબાણી કહ્યુ કે,હું જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવું છું ત્યારે ગૌરવની લાગણી થાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ હંમેશા આ યુનિવર્સિટીને સહકાર આપ્યો છે. ફક્ત ભૌતિક સુવિધાઓ કોઇ સંસ્થાને વર્લ્ડક્લાસ બનાવી શકતી નથી પરંતુ અધ્યાપકોની પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે અને આ તબક્કે હું તેમનો આભાર માનું છું.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે,નાની ઉંમરમાં જ દેશના ઈતિહાસમાં મહત્વનું કાર્ય કરનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે. બધુ જ શક્ય છે તેનું ઉદાહરણ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પુરુ પાડ્યુ છે.