ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળાઓની ફી માફ કરવાના મુદ્દે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપતાં રાજ્ય સરકાર હવે પોતે ખાનગી શાળાઓના સંચાલકો સમક્ષ રજૂ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવો સૂત્રોનો દાવો છે.


રાજ્યમાં સ્કૂલોની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલ અરજીનો શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના રોગચાળાના કારણે સ્કૂલો બંધ છે અને લોકોની આર્થિક હાલત ખરાબ છે તેથી ફી માફ કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે, શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે. ગુજરાત હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે.

આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત સરકારની 25 ટકા ફી માફ કરવાની દરખાસ્ત સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી.

ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડા મામલે સૂનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ ખાનગી શાળા સંચાલકોએ ફિક્સ ફી ઘટાડવાની તૈયારી બતાવી હતી પણ રાજ્ય સરકારને આ ઘટાડો પૂરતો નહોતો લાગ્યો. માટે સરકારની રજૂઆત પછી હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, એપેડમિક એક્ટ હેઠળ રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે ત્યારે અમને મધ્યસ્થી માટે કેમ કહો છો ?

રાજય સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, અમારો 25 ટકા ફી માફીનો જે નિર્ણય છે તે સ્કૂલ સંચાલકો માનતા ન હોવાથી હાઈકોર્ટમાં નિર્દેશો માટે અરજી કરી છે. સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી કે, સરકારની આ અરજી યોગ્ય નથી. અમે વાલીના કેસની તપાસ કરીને પછી રાહત આપીશું પણ અમને 25 ટકા ફી માફીનો નિર્ણય મંજૂર નથી.

આ કેસમાં વાલી મંડળ વતી રજૂઆત કરાઈ હતી કે, સ્કૂલ ફીમાં 25 ટકાની રાહતનો નિર્ણય પ્રેક્ટિકલ છે અને તેને લાગુ કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સત્તા આપતાં 25 ટકા ફી માફ થશે એ સ્પષ્ટ છે.