અમદાવાદ: એક બાજુ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 42 ઈંચ સાથે મોસમનો સરેરાશ 128% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.

આ ઉપરાંત મંગળવારે ડાંગ અને તાપી તો ગુરૂવારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જ્યારે શુક્રવારે દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

ચોમાસાની વર્તમાન સિઝનમાં 9.84 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. 15 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ, 125 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ, 111 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.