ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આજે મહત્વની જાહેરાત કરી છે. અનામત કેટેગરીના વિધાર્થીઓની આવક મર્યાદા વધારી ને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેથી હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા વિધાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે. પહેલા 2.50 લાખ મર્યાદા હતી, જે વધારી ને 6 લાખ કરવામાં આવી.
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં વધારો કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેલ્ફ ફાયનાન્સ કોર્સની ફીમાં 10 ટકાનો વધારો કર્યો છે. યુનિવર્સિટીએ છેલ્લે ફીમાં 2013માં વધારો કર્યો હતો. પરંતુ છેલ્લા 10 વર્ષમાં યુનિવર્સિટીના વિવિધ કામોમાં 40 ટકાનો વધારો થયો છે. યુનિવર્સિટીમાં બીએસસી, બી.કોમ, બી.એ, બીસીએ, બીબીએમાં હાલ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે
આજથી ગુજરાતમાં પડશે અંગ દઝાડતી ગરમી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો બુધવારે રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મંગળવાર સુધી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે આખો દિવસ ગરમ લૂં ફુંકાતા શહેરીજનો તાપમાં બરાબરના શેકાયા હતા. જમીન પરના ગરમ પવન શરૃ થયા હોવાથી આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.