ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના પ્રવાસે આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની ધરતી પરથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પરમાણુ હુમલાની ધમકીથી ડરવાનું નથી. અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. શનિવારે ગાંધીનગર પહોંચેલા અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "સત્તા સંભાળ્યા બાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો યોગ્ય જવાબ આપ્યો છે કે દુનિયા હેરાન છે અને પાકિસ્તાન ડરી ગયું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને નષ્ટ કરવામાં આવ્યા છે."
અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર સુધીના તેમના કેમ્પોને નષ્ટ કર્યા હતા.
અમિત શાહે કહ્યું, 'આતંકવાદીઓ પાકિસ્તાનથી આવતા હતા અને આપણા લોકો અને સેનાને મારી જતા રહેતા. આપણે કંઈ કરી શકતા નહોતા. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી ત્રણ મોટા હુમલા થયા છે. પ્રથમ ઉરીમાં, બીજો પુલવામામાં અને ત્રીજો પહેલગામમાં થયો. મોદીજીએ દરેક હુમલાનો એટલી તાકાતથી જવાબ આપ્યો કે આજે આખી દુનિયા આશ્ચર્યથી જોઈ રહી છે અને આજે પાકિસ્તાન ડરી ગયું છે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારે દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ ઓપરેશન સિંદૂરનું વિશ્લેષણ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલગામ હુમલાનો બદલો લશ્કર અને જૈશના મુખ્યાલયોને જમીનદોસ્ત કરીને લેવામાં આવ્યો.