સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબદાર અધિકારી સામે લીધેલાં પગલા અંગે પૂછપરછ કરતાં રાજ્ય સરકારે આ અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય કર્યો છે. ભગોરા ઉપરાંત અન્ય ચાર પોલીસ અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબ દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ બરતરફ કરાયાં છે.
આ તમામ આરોપી આ કેસમાં ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવવા અને પુરાવાનો નાશ કરવાના ગુના હેઠળ કસૂરવાર ઠર્યાં છે. સરકારે આ તબીબ દંપતીને પણ બરતરફ કરવાનો આદેશ આ સાથે આપ્યો છે. 2002માં દાહોદના રણધિકપુરની બિલ્કીશ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો તથા તેના 3 સંતાનની હત્યા કરી હતી.
આ ઘટના વખતે બિલ્કિસને 5 માસનો ગર્ભ હતો. બિલ્કીસે ગુજરાત સરકાર તરફથી મળેલાં પાંચ લાખ વળતરને ઠુકરાવીને ઉદાહરણરૂપ વળતર આપવાની દાદ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સાથે કસૂરવારો સામે કડક પગલાની અરજી પણ કરી હતી.
એપ્રિલ માસમાં સુપ્રીમે એક હુકમ કરીને ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે, બિલ્કીશને પચાસ લાખ વળતર અને સરકારી નોકરી આપવામાં આવે અને આ કેસમાં મુંબઇ હાઇકોર્ટે કસૂરવાર ઠેરવેલાં પોલીસ અને તબીબી અધિકારીઓ સામે બે અઠવાડિયામાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.