ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જલ જીવન મિશન‘ અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નલ સે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે. તે જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે.
નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો આપતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, ૨૫.૨૪ કરોડની જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના ૨૨ અને નાંદોદ તાલુકાના ૭ ગામોને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૨.૭૭ કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-૧) તેમજ ૩.૦૩ કરોડની (ભાગ-૨) યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના ૧૨-૧૨ ગામોને સમાવી લેવામાં આવ્યા છે.
તેમણે વિગતો આપતા ઉમેર્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજનાનું કામ જુલાઈ-૨૦૨૩માં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાકી રહેતી નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-૧) તેમજ (ભાગ-૨)ના કામ હાલ પ્રગતિ હેઠળ છે, જે જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે.
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, દેડીયાપાડા અને સાગબારા તાલુકાની ઝરવાની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૫૪ ગામો તેમજ દેડીયાપાડાની સાગબારા-દેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૬ ગામોને સમાવી લેવામાં આવ્યા છે.
કરાર બાદ સરકારે અદાણીને વધુ ચાર્જ ચૂકવી ખરીદી વીજળી, વિધાનસભામાંથી કોગ્રેસનું વોકઆઉટ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. પ્રશ્નોત્તરી કાળથી પ્રથમ બેઠકની શરૂઆત થઇ હતી. પ્રશ્નોત્તરીમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની ચર્ચા થઇ હતી. પ્રશ્નોત્તરી બાદ પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા કરાયેલા ગૃહના સંબોધન ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે. બપોરે 3:30 કલાકે ગૃહની બીજી બેઠકની શરૂઆત થશે. બીજી બેઠકની ગૃહના કામકાજની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે.
અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો
કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.
કોગ્રેસનું વોકઆઉટ
વિધાનસભામાંથી કોંગ્રેસ ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ખાનગી કંપની પાસેથી મોંઘી વીજળી ખરીદતા હોવાના આરોપ સાથે કોગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું હતું કે કરાર કરતા ડબલ રૂપિયા ચૂકવી વીજળી ખરીદી છે.
વિધાનસભા અધ્યક્ષે નીતિનભાઇ પટેલને યાદ કર્યા
વિધાનસભા અધ્યક્ષે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને યાદ કર્યા હતા. અદાણી પાસેથી વીજળી ખરીદવાના પ્રશ્નમાં 14 મિનિટ ચર્ચા ચાલી હતી. ઊર્જા મંત્રીના લાંબા જવાબ થતા અધ્યક્ષે નીતિનભાઈને યાદ કર્યા હતા. અધ્યક્ષે કહ્યું કે જો નીતિનભાઈ હોત તો ટૂંકમાં જવાબ આપી દીધો હોત. ત્રણ ગણી વીજળી વપરાતી થઈ છે,એટલે રાજ્ય સમૃદ્ધ થયું તેવો નીતિનભાઈ જવાબ આપતા. 3 વર્ષે ખેડૂતોને કનેક્શન મળતા હતા, હવે 6 મહિને કનેક્શન મળતા થયા છે નીતિનભાઈ આવો જવાબ આપી પુરુ કર્યું હોત.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નો પૂછવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની પણ અધ્યક્ષે ટકોર કરી હોત. અધ્યક્ષે કહ્યું હતું કે રાજકીય પક્ષોના કાર્યાલયમાંથી પ્રશ્નો પૂછવાની પદ્ધતિ બદલવી જોઇએ. એક સરખા, એક જ પ્રશ્ન ઘણા ધારાસભ્યો પૂછે છે. રાજકીય કાર્યાલયમાં એક સાથે પ્રશ્ન ડ્રાફ્ટ કરીને ધારાસભ્યોની સહી લઈ લેવાય છે. મે અગાઉ પણ કહ્યું છે કે પ્રશ્નો વધુ ચર્ચાય તેવા પ્રયાસો કરીએ. થોડો ફેરફાર થયો છે હજુ પદ્ધતિ બદલાય તો વધુ સારું રહેશે.