Paper Leak Case Update: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. જે બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ પોલીસ આવાસના એમડી તરીકે કાર્યરત આઈપીએસ હસમુખ પટેલે આજે ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું, મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
કોર્ટે આરોપીઓના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસ અંગે વિગતે વાત કરીએ તો એટીએસ દ્વારા વિવિધ મુદ્દે રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. વીસેક દિવસ અગાઉ હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર પેપર લીકનું કાવતરું રચાયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર શ્રધ્ધાકર લુહાનાએ કે.એલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્ન પત્ર મેળવ્યું હતું. 7 લાખમાં પેપર આરોપી પ્રદીપ નાયકને આપવામાં આવ્યું હતું. પ્રદીપ નાયકે આરોપી મોરારી પાસવાન તથા નરેશ મોહંતીને પેપર દીઠ 5 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશ ભિખારીને પ્રશ્ન પત્ર 6 લાખમાં વેચવાનું પેપર દીઠ નક્કી કર્યું. જે બાદ કમલેશ ભીખારીએ પેપર મોહમદ ફિરોઝને પેપર દીઠ 7 લાખમાં વેચવાનું નક્કી કર્યું.
તો મોહમદ ફિરોઝએ પેપર સર્વેશને પેપર દીઠ 8 લાખમાં વેચવાનું નક્કી કર્યું. સર્વેશે પેપર પ્રભાત, મુકેશ અને મીંટુને 9 લાખમાં વેચવાનું નક્કી કર્યું. મીંટુ કુમારે પેપર 10 લાખમાં ભાસ્કર ચૌધરીને આપવાનું નક્કી કર્યું. ભાસ્કર ચૌધરીએ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયું અને ઇમરાનને 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું. કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, હાર્દિક શર્મા, પ્રણવ શર્માએ આ પેપર 12 લાખમાં ઓળખીતાઓને વેચવાનું નક્કી કર્યું. મુકેશ અને ભરત પેપર ઓળખીતાઓને 10 લાખમાં વેચવાનો હતો. તો બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે, આરોપીઓને હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું કોણે આપ્યું? પેપર લીકમાં કોઈ અધિકારીની સંડોવણી છે? આ અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપે છે. આરોપીઓ ક્યાં ક્યાં ઉમેદવારોને પેપર વેચવાના હતા? આ અગાઉ કોઈ પરીક્ષામાં પેપર લીક કર્યું છે? તમામ મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે.