ગાંધીનગરઃ કલોલના કલ્યાણપુરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે વહેલી સવારે ઊંઘમાં જ પત્નીની હત્યા કરી નાંખી હતી. હત્યા કરી યુવતીના પિતાને કોલ કરી હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસે લાશનું પંચનામુ હાથ ધરી અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી એને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી ભાનુ પ્રસાદ કાંતિલાલ ત્રિવેદી (ઉં.વ. 45) ખાનગી સિક્યુરિટી માં કામ કરતો હતો. દારૂ પીવાની કુટેવ અને શંકાશીલ સ્વભાવનો હતો. જ્યારે મૃતક ગીતાબેન કેટરીગના વ્યવસાય સાથે જોડાયેલ હતા. મૃતકને ત્રણ દીકરીઓ હોવાનું માલુમ પડ્યું છે, જેમાં 2 દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. અંદાજીત 27 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે.
કલોલના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ અંગે મૃતકની દીકરીએ આડાસંબંધની શંકામાં પિતાએ માતાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાએ દીકરીને ફોન કરીને માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આથી તપાસ કરતાં માતાની હત્યા કરી નાંખી હોવાથી તેમણે પોલીસને જાણ કરી હતી.
અમદાવાદઃ યુવક ઇન્સ્ટાગ્રામ પર યુવતીની તસવીર મૂકીને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલતો ને પછી....
અમદાવાદઃ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓની તસવીરો જોવા અને ફોલો કરનાર યુવકને દરિયાપુર પોલીસે ઝડપ્યો છે. યુવક યુવતીની તસવીર મૂકીને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલતો હતો. પોલીસને યુવકના મોબાઇલમાંથી 400 જેટલી યુવતીઓના સ્ક્રીન શોટ મળ્યા છે. એક યુવતીની ફરિયાદને આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, દરિયાપુરની એક યુવતીની તસવીરનો ઉપયોગ કરીને યુવકે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આ અંગે યુવતીને ખબર પડતાં તેણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં શહેરના વ્યાસવાડીના યુવકે આ ફેક આઇડી બનાવી હોવાનું સામે આવ્યું હતું.
યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે મૂળ રાજસ્થાનનો અને 13 વર્ષથી અમદાવાદમાં સોના-ચાંદીના દાગીનામાં ડાયમંડ બેસાડવાનું કામ કરતો હાવાનું જાણવા મળ્યું હતું. યુવક યુવતીઓ સાથે મિત્રતા કરવા તેમજ તસવીર જોવા ખોટા આઈડી બનાવતો હતો તેમજ અલગ અલગ યુવતીઓની તસવીરો ડાઉનલોડ કરતો હતો. બાદમાં તે યુવતીઓની તસવીર મૂકી અલગ અલગ યુવતીઓને રિકવેસ્ટ મોકલતો હતો. સામે યુવતી વાત કરે તો તેની સાથે મિત્રતા કરી મોબાઈલ નંબર આપી વાત કરતો હતો.