ધાનાણી ટ્વિટ કરીને વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોની સંકલિત માહિતી આપતું ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યા મુજબ, રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં રોજના છેલ્લા બે વર્ષમાં દેશી દારૂ 1540,454 લિટર, વિદેશી દારૂની 129,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઈ છે. જેની કિંમત 254,80,92,966 થાય છે.
દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા કહ્યું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. તેમના આ નિવેદન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સાડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.'