ગાંધીનગરઃ કોરોના મહામારીને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન-4 ચાલી રહ્યું છે. આ લોકાઉન આગામી 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે લોકડાઉન-5ને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમની સૂચનો મંગાવાય રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી પહેલી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બંધું બંધ કરી દેવામાં આવશે, તેવી અફવા ઉડી હતી.


જોકે, આજે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી અફવા ફેલાવી રહ્યા છે. આ વાતો તદ્દન ખોટી છે અને અફવાથી વિશેષ કંઈ નથી. ગુજરાત સરકારે આ પહેલા અપાયેલી કોઈ પણ છૂટછાટ પાછી લેવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ સંજોગોમાં નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે અને સરકાર પર વિશ્વાસ રાખે તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લે તે પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે.

નોંધનીય છે કે, હજુ સુધી લોકડાઉન-5 અમલમાં આવશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ હવે પછી લોકડાઉન મુદ્દે જાહેરાત કરવામાં આવશે. એ જાહેરાત પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે.