ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે પણ તીડ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ગયા વર્ષે તીડના આક્રમણને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના રણકાંઠાના વિસ્તારોમાં અનેક ખેડૂતોના પાક તબાહ થઈ ગયો હતો. ત્યારે આ વર્ષે પણ તીડ ગુજરાતના અનેક જિલ્લામાં એન્ટ્રી કરી ચૂક્યા છે. ત્યારે ખેડૂતો તીડના આક્રમણથી પરેશાન થઈ ગયા છે.

મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં તીડ બનાસકાંઠા, કચ્છ, મોરબી , સુરેન્દ્રનગર અને ભાવનગર સુધી પહોંચી ગયા છે. મોરબીની વાત કરીએ તો હળવદના રણ કાંઠા વિસ્તારમાં તીડનું આક્રમણ થયું છે. હળવદના ઈશનપુર, માલણીયાદ, રણમલપુર, ચંદ્રગઢ અને કવાડિયા ગામોમાં રાત્રીના આક્રમણ કર્યું હતું. તીડના આક્રમણને લઈને ખેતીવાડી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ રાત્રીથી જ દવાનો છંટકાવ શરુ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજીત ૬૦ લીટરથી વધુ દવાનો છંટકાવ કર્યો છે. હાલમાં ૫૦% સ્થિતિ કાબુમાં હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. ધાસચારો અને તલ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ છે.



સુરેન્દ્રનગરમાં તીડનું આક્રમણ થતા ખેડૂતો પરેશાન છે. ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના વિસ્તારોમાં તીડ ત્રાટકયા હતા. ધ્રાંગધ્રાના સજ્જનપર, કુડા, કોપરણી, સતાપર, માલવણ, ભરાડા, સહિતના 15 ગામોમાં તીડનું અતિક્રમણ થયું હોવાની ખેતીવાડી વિભાગને માહિતી મળી છે. તલ અને જુવાર સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ થાળી વગાડી અને ખેતીવાડી વિભાગે દવાનો છંટકાવ કરી કીટ નિયંત્રણની કામગીરી હાથ ધરી છે. લીંબડી તાલુકાના શિયાણી અને ખજેલી ગામમાં પણ તીડ જોવા મળ્યા છે.

ભાવનગરની વાત કરીએ તો તીડના ટોળાં ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગ ના વલ્લભીપુર તાબાના નસીતપુર, મોટી ધરાઈ ગામે તીડનું ટોળું આવી ચડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાત્રીના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું હતું. આ સિવાય
બનાસકાંઠામાં દિયોદર પંથક પણ તીડનું આક્રમણ થયું છે. દિયોદરના પાલડી અને ખાણોદર ગામની સીમમાં તીડના ઝૂંડ જોવા મળ્યા હતા. થરાદમા તીડ દેખાતા ખેડુતોમા ચિંતામાં વધારો થયો છે. તીડ પર નિયંત્રણ મેળવવા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ કરી છે. થરાદના ખારાખોડા દિપડા અને ચોટપા ગામની સીમમા તીડે રોકાણ કર્યું હતું.

આ ઉપરાંત ક્ચ્છમાં ભચાઉ તાલુકાના ગામડાઓમાં તીડના ઝુંડો જોવા મળ્યા હતા. શિકરા, કુંભારડી, કબરાઉ સહિતના ગામોમાં તીડ જોવા મળ્યા હતા. બે પ્રકારના તીડ જોવા મળ્યા છે. તીડ નિયંત્રણ અધિકારી અને તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા મોનીટરીંગ શરૂ કરાયું હતું.