Lok Sabha, Election 2024: લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતાના ઉમેદવારો માટે મંથન કરી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે આપ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યુ છે, તો વળી, ભાજપ તમામ 26 બેઠકો એકલા હાથે કબજે કરવા તૈયાર છે. કોંગ્રેસ ગુજરાતમાં બીજી યાદીમાં 7 નામો જાહેર કર્યા હતા, હવે આજે અથવા તો કાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે, જેમાં આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મૉડમાં છે, પ્રથમ બે યાદી બાદ હવે ત્રીજી યાદી તૈયાર છે. આજે અથવા તો આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આ વખતે લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી શકે છે. આ વખતે આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ છે. કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા અમિત ચાવડા તૈયાર થયા છે. ખાસ વાત છે કે, આણંદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર થયા છે. આણંદ બેઠક પર પહેલાથી જ ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.
અમિત ચાવડાની રાજકીય કેરિયર
અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો હતો, તેઓ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. સૌથી પહેલા NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય રહ્યા, આ પછી 2004 અને 2007માં તેઓ બોરસદ વિધાનસભામાંથી જીત્યા અને બાદમાં 2012, 2017 અને 2022માં ફરી એકવાર આંકલાવ વિધાનસભા જીત્યા છે. 2018માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. હાલમાં તેઓને 2023થી ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રોહન ગુપ્તાએ ના પાડ્યા બાદ કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી આ નેતાને આપશે ટિકીટ, જાણો કોનું નામ છે ચર્ચામાં
અમદાવાદ પૂર્વની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે હવે આ બેઠક પર રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલ લોકસભાના ઉમેદવાર બનશે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર બની શકે છે હિંમતસિંહ પટેલ. આ પહેલા અમદાવાદ પૂર્વ માટે 2 નામ ચર્ચામાં હતા. હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામ ચર્ચામાં હતા. રોહન ગુપ્તાનું નામ જાહેર થયા બાદ પિતાની તબિયતના કારણે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે.
નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે.
કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 7 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-નિતેષ લાલણ