Lok Sabha Election 2024: મોદી સરકારનો 2.0નો કાર્યકાળ હવે ટૂંક સમયમાં પુરો થઇ રહ્યો છે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેને લઇને હવે ભાજપે દેશભરમાં કમર કસવાનું શરૂ કરી દીધુ છે. આ અંતર્ગત આજે ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યલયનો પ્રારંભ કરાવાશે. ખાસ વાત છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી લોકસભા સાંસદ છે.
મળતી માહિતી પ્રમાણે, આજથી ગુજરાતમાં ભાજપ દ્વારા મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત છે. આગામી દિવસોમાં લોકસભા 2024 માટે ભાજપ ગામે ગામે પ્રચાર પ્રસાર વધારશે. આ અંતર્ગત આજથી ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકાશે. ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાની હાજરીમાં આજે ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાશે. અમિત શાહના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનને લઈને કાણેટી ઞામથી મોટી સંખ્યામાં કાર્યકર્તા બસથી રવાના થયા છે. સાણંદના કાણેટી ગામથી મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગમાં પહોંચશે.
ગુજરાતમાં 26 સીટની હેટ્રિક લાગશે કે નહીં?
2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે તમામ લોકસભા સીટોના આવતીકાલે ઉદ્ધાટન થઈ રહ્યા છે.
2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા.
રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.