GANDHINAGAR : રાજ્યમાં પશુઓમાં  લંપી વાયરસનો કહેર વધી રહ્યો છે. લંપી વાયરસ ના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1021 પશુઓના મૃત્યુ થયા છે. લંપી વાયરસને લઈને આવતી કાલે 26 જુલાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની  અધ્યક્ષતામાં બેઠક મળશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી  પટેલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે રાજ્યમાં રસીનો પૂરતો જથો છે પશુઓના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવા આદેશ આપ્યા છે.


2.68 લાખથી વધુ પશુઓનું રસીકરણ 
રાજયના 14 જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ 37,121 પશુઓને સારવાર પૂરી પડાઈ છે. જ્યારે અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 


ફ્રી હેલ્પલાઈન 1962ની ખાસ સુવિધા
પશુપાલકોને તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન 1962ની ખાસ સુવિધા કાર્યરત કરી અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438  પશુધન નિરિક્ષકો દ્વારા  સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે કરવા પશુપાલન વિભાગે નિર્દશ કર્યા છે.


બનાસકાંઠા વધી રહ્યાં છે લંપી વાયરસના કેસ 
સમગ્ર રાજ્યમાં પશુઓમાં લંપી વાયરસના  કેસોએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે, બનાસકાંઠામાં લંપી વાયરસ વધુ વકર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના કેસોમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં આજે વધુ 266 પશુઓ સંક્રમિત થયા છે. આ સાથે જિલ્લામાં  લંપી વાયરસથી સંક્રમિત પશુઓનો આંક 844 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં આ જીવલેણ વાયરસને કારણે 15 પશુઓના મોત થયા છે. બનાસકાંઠાના 66 ગામોમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે. 



બનાસકાંઠામાં લંપી  વાયરસના વધતા સંક્રમણને લઈ રાજસ્થાનની આવતા પશુ પર રોક લગાવાઈ છે. બનાસકાંઠાની નઅમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરાઈ છે. તંત્ર દ્વારા ચેકિંગ શરુ કરાયું છે. 11 જિલ્લાના પશુઓમાં લંપી  વાયરસ જોવા મળ્યો છે.