ગાંધીનગર: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી આ અવસર પર બીજી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે અને અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને રીવરફ્રન્ટ ખાતે યોજાનારા 20 હજારથી વધુ સરપંચોના સંમેલનમાં દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે.


ગાંધી જયંતી નિમિતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના 10 હજાર સરપંચો અને અન્ય રાજ્યોના 10 હજાર સરપંચો ઉપસ્થિત રહેવાના છે. 29 સપ્ટેમ્બરથી ચાર અલગ અલગ ઝોનમાં સરપંચો રહેશે. તેઓ ગુજરાતા ગરબાની મજા માણશે. સુરતમાં દાંડી મેમોરિયલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીનગરમાં દાંડી કુટિરની મુલાકાત લેશે.


પીએમ મોદી બીજી ઓક્ટોબરે અમદાવાદમાં માત્ર ત્રણ કલાક રોકાશે. બીજી તારીખે સાંજે લગભગ છ થી સાડા છ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે. ત્યાર બાદ અડધો કલાક સાબરમતી આશ્રમમાં વિતાવશે અને રિવરફ્રન્ટ પર સરપંચ સંમેલન સંબોધન કરશે અને રાત્રે લગભગ નવ વાગ્યા આસ પાસ અમદાવાદ એરપોર્ટથી પરત રવાના થશે.