ગાંધીનગરઃ ગુજરાતમાં રૂપાણી શાસનના ત્રણ વર્ષ પૂરા થવા પર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં  ‘સંકલ્પ સે સિદ્ધિ કી ઔર અગ્રેસર’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે,  ત્રણ વર્ષમાં ગુજરાત સરકારે અનેક સિદ્ધિઓ મેળવી છે. કેટલાક લોકો દ્વારા નાતિ-જાતિના વાડામાં વહેંચી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ભારતીય જનતા પાર્ટીમાં પદ નહીં પરંતુ જવાબદારી નિભાવમાં આવે છે. પાર્ટીમાં ક્યારેય પદ અને પ્રતિષ્ઠા હોતી નથી. પણ જવાબદારી અને પડકારનો સામનો કરવાની તૈયારી સાથે અમે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા.


કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાને લઇને રૂપાણીએ કહ્યું કે, કાશ્મીરમાં અલગતાવાદી પરીબળોને અગાઉની સરકારમાં પ્રોત્સાહન મળતું હતું. ગુજરાતના સંતાન નરેન્દ્રભાઇ અને અમિતભાઈએ મક્કમતા બતાવી અને દેશને એક કર્યો છે. આપણે બધાને ખબર છે કે જિલ્લા પંચાયતમાં એન એમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થતો હતો,કેવી રીતે કોર્પોરેશન નગરપાલિકામાં પ્લાન પાસ થતાં એટલે જ ઓનલાઇન પ્રથા દાખલ કરાઈ હતી.


તેમણે વધુમાં કહ્યુ હતું કે, કેન્દ્ર સરકારમાંથી તમામ મદદ મળી રહી છે. ત્રણ વર્ષમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. દુનિયાની નજર જયારે ગુજરાત પર છે ત્યારે આપણું ગુજરાત એક પ્રતિષ્ઠિત રાજ્ય બને. પરંતુ અમે જનતાનો વિશ્વાસ જાળવી રાખવામાં કટિબદ્ધ બન્યા છીએ. પડકારો વચ્ચે કામ કરવું તે નરેન્દ્રભાઈ મોદી પાસેથી શીખ્યા છીએ. નોંધનીય છે કે સાત ઓગસ્ટ 2016ના દિવસે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે અને નીતિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લઈને ગુજરાતની ગાદી સંભાળી.

દરમિયાન ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસ કામોને યાદ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાંખ્યો હતો. અને ત્યારથી આજદીન સુધી ગુજરાતમાં વિકાસયાત્રા રોકાઈ નથી. કાશ્મીરમાં કલમ 370 કાંટાની જેમ ખૂંચી રહી હતી તે કાંટો કાઢીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે મલમ લગાવવાનું કામ કર્યું.