ગાંધીનગરઃ   રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે તે વિસ્તારના ખેડૂતોનો પાક બચાવવા અને વાવણી કરવા માટે સુજલામ સુફલામ યોજના, સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી છોડવામાં આવશે.  ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામની પાઈપલાઈનથી જોડાયેલા 400 જેટલા તળાવોને સિંચાઈ માટે ભરવામાં આવશે.. તો બીજી તરફ   સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા ડેમનું પાણી ભરવામાં આવશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે કે ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થાય અને પશુઓને પીવાના પાણીની સુવિધા મળતી રહે તે માટે રાજ્યના તળાવોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. તેમણે કહ્યું કે,  ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ૪૦૦ થી વધુ તળાવો કે જે નર્મદા પાઇપલાઇનથી જોડાયેલા છે તે તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે તે જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જે વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની જરૂરીયાત છે ત્યાં પાણી પુરુ પાડવામાં આવશે.

તે સિવાય મધ્ય ગુજરાતમાં જ્યા ડાંગરની વાવણી-ધરૂનું રોપાણ થયુ છે તે વિસ્તારોમાં વાવણી બચાવવા માટે પણ કડાણા બંધમાંથી મહી યોજના દ્વારા કમાન્ડ વિસ્તારમાં આજથી પાણી પુરૂ પાડવામાં આવશે. નોંધનીય છે કે આ અગાઉ પણ ખેડૂતોના હિતમાં સરકારે આઠ કલાકના બદલે 10 કલાક વિજળી આપવાનો નિર્ણય લીધો હતો.