ગાંધીનગરઃ રાજ્યમા વધુ બે મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, GMERSની બે મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. ગોધરા અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. નવી કોલેજોને મંજૂરી મળતા એમબીબીએસમાં 500 બેઠકોનો વધારો થશે. તે સિવાય વધુ ત્રણ કોલેજોને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. રાજપીપળા, નવસારી, મોરબીમાં મેડિકલ કોલેજને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે.


જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.  આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.૨૯મી જુલાઈ, ૨૦૨૨ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.


આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ બંને કોલેજો ખાતે ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.


રાજ્યમાં મેડીકલ કોલેજોની કુલ બેઠકો ૫૭૦૦થી વધીને ૫૯૦૦ થશે.  આ નવી મેડિકલ કોલેજો 660 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. જેમાં કેન્દ્રનો ૬૦ ટકા અને રાજ્યનો ૪૦ ટકા ફાળો રહેશે. નવી મેડીકલ કોલેજો લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યૂટર અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સવિધાઓથી સજ્જ હશે.


તેમણે કહ્યું કે   રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.