ગાંધીનગરના ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં આઠ વર્ષ અગાઉ ડેંગ્યુની સારવાર માટે આવેલી યુવતી પર દુષ્કર્મ આચરનારા વોર્ડ બોયને ગાંધીનગર સેશન્સ કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા આપી હતી. વર્ષ 2016માં પીડિતા હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર માટે આવી હતી ત્યારે પાકિસ્તાની ડોક્ટર રમેશ ભુરાલાલ ચૌહાણ તથા વોર્ડબોય ચંદ્રકાન્ત વણકરે બે-બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે ડોક્ટર રમેશ ભુરાલાલ જામીન મેળવી ફરાર થઇ જતા તેને ભાગેડુ જાહેર કરાયો હતો જ્યારે કોર્ટે વોર્ડ બોય ચંદ્રકાંતને સાત વર્ષની સખત કેદની સજા અને 20 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


વર્ષ 2016માં ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલ એપોલો હોસ્પિટલમાં ડોક્ટર અને વોર્ડ બોયે ડેંગ્યુની સારવાર માટે આવેલી એક યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે અડાલજ પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. એપોલો હોસ્પિટલમાં પાકિસ્તાનના કરાચીની લિયાકત અલી કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી હાંસલ કરીને ડોક્ટર તરીકે નોકરી કરતાં ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ તથા વોર્ડબોય ચંદ્રકાન્ત વણકરે યુવતીનાં પગ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનામાં આરોપી ડોક્ટર રમેશ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.


મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર માટે એક 19 વર્ષીય યુવતી દાખલ થઇ હતી. હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં તેણીને રાખવામાં આવી હતી. દરમિયાન 3 સપ્ટેમ્બર 2016ના રોજ રાત્રીના સમયે હોસ્પિટલના વોર્ડબોય ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ગોવિંદભાઇ વણકર (રહે. ભાટ ગામ મૂળ-ખરોડ,તા.વિજાપુર)એ યુવતીના હાથ-પગ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે હોસ્પિટલના ડોક્ટર રમેશ ભુરારામ મંજીરામ ચૌહાણ (રહે. ડી-૧૧૨, નહેરૃનગર,કુબેરનગર અમદાવાદ, મૂળ.ઉમર કોટ સિંધ પ્રાંત-પાકિસ્તાન) એ પણ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાદમાં યુવતીએ આ મામલે પરિવારજનોને જાણ કરતા અડાલજ પોલીસ સ્ટેશને રમેશ ચૌહાણ અને વોર્ડબોય ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકર સામે બળાત્કાર અને એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.


સરકારી વકિલ પ્રિતેશકુમાર ડી. વ્યાસ દ્વારા ૩૫ દસ્તાવેજોનું લિસ્ટ રજૂ કરીને ૨૩ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે  આરોપીએ બિમાર અને અશક્ત દર્દી સાથે વિકૃત રીતે બળાત્કાર ગુજાર્યો છે અને હોસ્પિટલમાં દર્દી સારવાર માટે જાય ત્યારે તેની સાથે આ પ્રકારનો જઘન્ય અપરાધ  કરવામાં આવે ત્યારે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી રીતે પુરેપુરી સજા ફટકારવી જોઇએ. જેના અનુસંધાને કોર્ટે CRPC કલમ 376 સી (ડી) હેઠળ આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકરને સાત વર્ષની સખત કેદનો આદેશ આપ્યો હતો અને ૨૦ હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવા હૂકમ કર્યો હતો.