Gujarat CM Bhupendra Patel:  સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.


બીજું શું કહ્યું મુખ્યમંત્રીએ

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.


નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતાં કહ્યું, નગરપાલિકા કે મનપામાં પૈસાનો સવાલ નથી પણ પૈસા કઈ રીતે વાપરવા એ પ્રશ્ન છે. પદાધિકારી, અધિકારી અને પ્રજા એક થઇ જાય તો કોઈ બાબતની કમી નથી રહેતી. સ્વચ્છતાની બાબત કોઈને કઈ તકલીફ પડતી હોય તો જાહેર મંચ પર કઈ પણ કહેવાની છૂટ છે. નગરપાલિકા મેં પણ કોર્પોરેટર તરીકે ચલાવી છે એટલે સ્વચ્છતા બાબતમાં કોઈ તકલીફ ન પડે તે બાબતનો મને ખ્યાલ છે. G20 માં વિશ્વના લોકો માનતા થયા કે વિકસિત દેશ કરી શકે તે ભારત કરી જ શકે છે.


મુખ્યમંત્રીની ટકોરને લઈ જૂનાગઢના મેયરે શું કહ્યું


મુખ્યમંત્રીની ટકોર અંગે જૂનાગઢ મેયર ગીતાબેન પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું જૂનાગઢમાં ભૂગર્ભ ગટર લાઇન,ઇલેક્ટ્રિક કામ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થાય પછી જ રોડ ના કામો કરવામાં આવશે. લોકોમાં રોષ હોય છે પણ યોગ્ય કામ થાય એવો પ્રયાસ છે. સ્વચ્છતા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અનેક પગલાં ભરી રહી છે.