Navratri 2025: હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે, લોકો માતાજીની પૂજા-અર્ચના અને આરાધના કરે છે અને માતાજીના ગરબા રમે છે, પરંતુ આ તહેવારના માહોલને કેટલાક તોફાની તત્વોએ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન કોમી હિંસા ભડકી હતી, કેટલાક તોફાની તત્વોઓ પથ્થરમારો કર્યો, ગાડીઓ સળગાવી અને ધમાલ મચાવી હતી. હાલમાં આ હિંસાની આ સમગ્ર ઘટનામાં પોલીસે 50 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ સમગ્ર મામલો એક સોશ્યલ મીડિયા પૉસ્ટને લઇને ભડક્યો હતો.
ગઇરાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે કોમ વચ્ચે કોમી હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ જોતજોતામાં એટલી ઉગ્ર બની કે બન્ને જૂથોના ટોળા સામસામે આવી ગયા અને હિંસક અથડામણ થઇ હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર જય મહાદેવ અને આઇ લવ મહોંમદ જેવી પોસ્ટને લઇને વિવાદ થયો હતો. એક યુવાને આઇ લવ મોહંમદ પોસ્ટ સામે જય મહાદેવ પોસ્ટ કરી તેમાં વિવાદ થયો હતો. ગામમાં ચાલી રહેલા ગરબામાં પથ્થરમારો થતા ખેલૈયાઓમાં નાસભાગ મચી હતી. આ હિંસક ટોળાએ ગામમાં આતંક મચાવ્યો છે. આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો થયો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસનો કાફલો બહિયલ ગામ પહોંચ્યો હતો. જોકે, હિંસક ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના બે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.