ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો એ રાહતના સમાચાર છે પણ ગુજરાતીઓએ તેના કારણે હળવા થઈ જવાની જરૂર નથી. ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, ગુજરાત માટે આગામની પાંચ દિવસ કસોટીના છે.

આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓના કેસોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે ચેતવણી આપી છે કે, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. આ સંજોગોમાં આવનારા ચાર-પાંચ દિવસ ખૂબ અઘરા છે અને કસોટીના છે. તેમણે ગુજરાતનાં તમામ લોકોને સલાહ આપી છે કે, જે લોકો મુસાફરી કરીને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય કે પછી પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો અચૂક મેડિકલ ચેકઅપ કરાવી લે. આ લોકો નંબર 104 અથવા તો 108 પર ફોન કરીને તરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવી લે. હાલમાં ગુજરાતમાં 87 દર્દી છે તે પૈકી 71 દર્દી સ્ટેબલ છે જ્યારે બે દર્દી વેન્ટીલેટર ઉપર છે. આ બે દર્દી સાજા થઈ જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.