આ અંગે જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડો બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે પરંતુ હરાજી બંધ હોવાથી તેઓ માલનું વેચાણ કરી શકતા નથી. બીજી તરફ માર્ચના અંતિમ દિવસોમાં ખેડૂતોએ ધીરાણ પરત કરવાની મુદ્દત આવતી હોય છે. જેને લઈને રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેડૂતોને ધીરાણ ચૂકવવામાં બે મહિનાની મુદ્દત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ખેડૂતોએ જે ધીરાણ મેળવ્યું હશે તેને હવે 31મી મે સુધી ગમે ત્યારે પરત કરી શકશે. આ માટે તેમને 7 ટકાને દરે જે વ્યાજ લાગશે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. સાત ટકામાંથી ત્રણ ટકા કેન્દ્ર અને ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.
નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખેડૂતો પહેલી એપ્રિલથી 31મી મે સુધી ગમે ત્યારે ધીરાણની રકમ પરત ચૂકવી શકે છે. પાકની હરાજી બાદ જ્યારે પણ બે મહિનામાં પૈસા આવે ત્યારે ખેડૂતો ધીરાણ પરત કરી શકે છે. આ માટે તેમને બેંક તરફથી કોઈ જ નોટિસ નહીં મોકલવામાં આવે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 24.60 લાખ જેટલા ખેડૂતોને લાભ થશે.