ગુજરાતમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણે ક્યા દિવસે ક્યા વિસ્તારમાં પડશે વરસાદ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2020 11:00 AM (IST)
આગામી 24 માર્ચથી 27 માર્ચ એમ ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા.

ગાંધીનગરઃ ગુજરાત એક તરફ કોરોનાવાયરસના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો ઉભો થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા ઉભી થઈ છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 માર્ચથી 27 માર્ચ એમ ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદ ખેડૂતોના પાકને મોટુ નુકશાન પહોચાડી શકે છે તેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છમાં ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્તા કરાઈ છે. 26 અને 27મી માર્ચના રોજ વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી, બોટાદ, ડાંગ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર તથા કચ્છ પંથકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.