ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રના પહેલા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યઅમિત ચાવડાના નિવેદન પર ભારે ગરમા ગરમી થઈ ગઈ હતી. નીતિન પટેલ અંગે કરેલા નિવેદનને સાબિત કરવા અથવા માફી માગવા નીતિન પટેલે ચાવડાને પડકાર આપ્યો હતો. વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ચાવડાને પોતાના નિવેદનના પુરાવા રજૂ કરવા ફરમાન કર્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, નીતિન પટેલે હાઇકોર્ટમાં કહ્યું કે લોક ડાઉનમાં ટ્રાન્સપોર્ટેશન સેવા સરખી રીતે ચાલુ ન હોવાના કારણે વેંટીલેટર ન આવી શક્યા. આ સાંભળીને નીતિન પટેલે ગૃહમાં વાંધો ઉઠાવીને કહ્યું કે, મેં હાઇકોર્ટમાં આવુ કઇ કહ્યુ જ નથી. આ નિવેદન બદલ અમિત ચાવડા પુરાવા આપે અથવા ગૃહમાં માફી માંગે.

આ મુદ્દે ગરમાગરમી થતાં ગૃહમાં ભાજપ-કૉંગ્રેસનાં ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા અને ઉગ્રતા વ્યાપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું કે, અમિત ચાવડા પુરાવા આપે અથવા જાહેરમાં માફી માંગે.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સીએમ સામે આવી ગયા હતા. છેવટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે અમિત ચાવડા કાલ સુધીમાં મને એમનાં નિવેદન અંગેનાં પુરાવા બતાવી જાય.