ગુજરાતમાં ઘણી જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકાદ સ્થળ પર ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે મહત્વની વાત એ છે કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના કોઈ સંકેત નથી. આગામી દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. મંગળવારે ડાંગ અને તાપી તો બુધવારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જ્યારે ગુરૂવારે દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.