ગાંધીનગરઃ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીએમઓના સચિવ અશ્વિની કુમારે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતુ કે,  અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ જેવા છ શહેરી વિસ્તારમાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. તે સિવાય 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ. જેમાં બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકાનો સમાવેશ થાય છે.

તે સિવાય તેમણે કહ્યું હતુ કે. રેડ ઝોનમાં સામેલ જિલ્લાઓમાં ફક્ત જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.  ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સલૂન, બ્યુટી પાર્લર શરૂ કરી શકાશે. ગ્રીન ઝોનમાં બસ સેવા પણ શરૂ થશે. બસમાં ફક્ત 30 મુસાફરો બેસાડી શકાશે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં.