ગાંધીનગરઃ ‘ક્યાર’ વાવાઝોડાના કારણે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કૃષિ વિભાગના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખેડૂતોને વળતર ચૂકવવાની માહિતી આપવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં  કૃષિ વિભાગ દ્ધારા કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર કરાયું હતું. આ સાથે જ જિલ્લા પ્રમાણે કઈ વીમા કંપની છે તેની માહિતી આપવામાં આવી છે. ખેડૂતો સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારમાં પાકને થયેલા નુકસાન અંગે જાણ કરી શકશે. આવી રીતે થયેલી ફરિયાદ જ માન્ય રાખવામાં આવશે. વીમા કંપનીમાં ફરિયાદ બાદ ખેતીવાડી અધિકારીઓ સર્વે કરશે.



સરકારના મતે જે વિસ્તારમાં ખેડૂતોએ પાક વીમો નથી લીધો ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. બાદમાં તેઓને  પણ SDRFના ધારાધોરણ અનુસાર સહાય ચુકવાશે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતોએ 72 કલાકમાં ફરિયાદ કરવાની રહેશે. સર્વેની કામગીરીના 15 દિવસમાં ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં ૩૧ જિલ્લાના ૧૫૬ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે.