ગાંધીનગરઃ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને કૉંગ્રેસના સંગઠન મંત્રી અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં મહાપંચાયત યોજી હતી. અલ્પેશ ઠાકોરે આ મહાપંચાયતમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઠાકોર અને ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના સંગઠનનું સંમેલન યોજ્યું હતું.
આ સંમેલનમાં SC-ST અને OBC સમાજની અનામત બચાવવા અને તેમના અધિકારોની વાત કરવામાં આવી હતી. સાથે નામ લીધા વિના હાર્દિક પટેલ પર નિશાન સાધવામાં આવ્યું હતું. અલ્પેશે કહ્યું કે, અમે સવારે ઉપવાસ પર બેસીએ છીએ ત્યારે સરકાર સાંજે કાયદો બનાવવા મજબૂર બને છે.
તે સિવાય તેણે કહ્યું કે, જ્યારે કોઈ પોતાના હક્ક અધિકારની વાત કરે ત્યારે સવાલો ઉભા થાય છે. કોઈ પણ વ્યક્તિ વ્યસનના રવાડે ના ચડે એની દિશા લઈને નીકળ્યા છીએ. ઠાકોર અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે અલગ યુનિવર્સિટી બનાવવી જોઇએ. રાજ્યના પાંચ જિલ્લામાં વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપવામાં આવે.