ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ થવાનું શરૂ થઈ ગયું છે. ગઈ કાલે બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી આજે વધુ એક ધારાસભ્યે રાજીનામું ધરી દીધું છે. મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનું આપી દીધુ છે. મોરબી ખાતે આવેલી તેમની ઓફિસે તેમના બોડ પણ ઉતારી દેવામાં આવ્યા છે.


ગઈ કાલે કોંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુભાઈ ચૌધરીએ રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ કાલે જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યોના માસ્ક ઉતરાવી તેમજ રાજીનામા પર સહીની ખરાઇ કર્યા પછી રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આમ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા પડ્યા છે. આ સાથે કોંગ્રેસનું સંખ્યાબળ 66 થયું છે. જોકે, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે રાજીનામું આપ્યું નથી. તેમણે આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા પણ કરી હતી.