ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુભાઈ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યોના માસ્ક ઉતરાવી તેમજ રાજીનામા પર સહીની ખરાઇ કર્યા પછી રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આમ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા પડ્યા છે. આ સાથે કોંગ્રેસનું સંખ્યાબળ 66 થયું છે. જોકે, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે રાજીનામું આપ્યું નથી. તેમણે આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા પણ કરી હતી.



રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને ધારાસભ્યોની તોડફોડ રોકવા સક્રિય થઈ છે પણ તેના પ્રયત્નો ફળે એવું લાગતું નથી. ગુરુવારે બપોરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી પણ એ પહેલાં જ બે ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્ય પક્ષને વફાદાર રહે તે જરૂરી છે. એક ઉમેદવારને 35 મત મળે તો જ બંને ઉમેદવારો જીતે તેમ છે ને આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પક્ષના સિનિયર નેતાઓની આગેવાનીમાં બેઠક મળશે. ધારાસભ્યોની બેઠક બાદ જિલ્લા અને શહેરના હોદેદારોની બેઠક મળશે. કોરોનાની સ્થિતિ સામે સરકાર અને પ્રશાસનને ઘેરવા માટે આ બેઠકમાં ચર્ચા કરાશે.