ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પછી તરત જ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાનો ભોગ બન્યા હતા. તેમજ કોરોનાની લાંબી સરવાર પછી હમણા જ સ્વસ્થ થયા છે. છેલ્લે ચાર બેઠકો માટે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી 3 અને કોંગ્રેસમાંથી બે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા. જેમાંથી 4 ઉમેદવારોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.


આજે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ફક્ત રમીલાબેન બારાને કોરોનાનો ચેપ લાગ્યો નથી. નોંધનીય છે કે, ગત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારા ચૂંટાયા હતા. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી.

આ સિવાય પણ ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ભાજપના આ સિવાય પણ કેટલાક સાંસદો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે નરહરિ અમીને જાતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતે ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છે. મારો અનુરોધ છે કે, છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.