ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસો વધારે છે. ત્યારે અમદાવાદ પછી ગાંધીનગરે પણ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલથી ગાંધીનગરમાં ફક્ત દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

શાકભાજી, ફળ અને કરિયાણા સહિતની અન્ય દુકાનો બંધ રાખવી પડશે. જોકે, હજુ આ અંગે જાહેરનામું બહાર પડાયું નથી. મોડી સાંજ સુધીમાં આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 15મી મે સુધી દૂધ અને દવા સિવાની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.



નોંધનીય છે કે, ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 97 કેસ નોંધાયા છે. જેમાંથી 20 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. જોકે, આ આંકડા ગાંધીનગર જિલ્લાના છે. તેમજ સંપૂર્ણ લોકડાઉનનો અમલ ગાંધીનગર શહેરમાં કરવામાં આવશે.