ગાંધીનગરઃ એક તરફ રાજ્ય સરકારે શાળાઓમાં કાયમી શિક્ષકોની સ્થાને જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગની કથળતી સ્થિતિનો ખુલાસો થયો છે. એક સવાલના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી 926 સ્કૂલો છે.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યની 926 સ્કૂલો માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક શિક્ષકથી ચાલતી સૌથી વધુ શાળાઓ કચ્છ અને મહિસાગર જિલ્લામાં છે. તો તાપી, નર્મદા અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50થી વધુ છે.
મહીસાગરમાં 106 અને કચ્છની 105 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરાશે તેવી શિક્ષણ મંત્રીએ બાહેંધરી આપી હતી. રાજ્ય સરકારે જણાવ્યું કે શાળાઓમાં વયનિવૃતિના કારણે શિક્ષકોની ઘટ છે. ઘટ ધરાવતી શાળાઓમાં શિક્ષકોની અન્ય શાળામાં બદલીઓ થવાથી પણ ઘટ ઉભી થઇ છે. કેટલીક શાળાઓમાં શિક્ષકોના અવસાન થવાથી અને સીઆરસી અને બીઆરસીની પ્રતિનિયુક્તિને લઇને ઘટ ઉભી થઇ છે. નોંધનીય છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 60 બાળકો ધરાવતી શાળામાં બે શિક્ષકોની ફાળવણી થવી જોઇએ. 60 થી 90 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 3 શિક્ષકો હોવા જોઇએ. 120 થી 200 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 4 શિક્ષકો હોવા જોઇએ.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખરાબ સ્થિતિમા છે. રાજ્યમાં 3 હજાર 832 શાળા જર્જરીત ઓરડાવાળી, લાઈટ વગરની 8 શાળા, કમ્પાઉન્ડ વોલ વગરની 5 હજાર 439 શાળા તો એકથી વધારે વર્ગના વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસાડવામાં આવતા હોય તેવી શાળાઓની સંખ્યા 17 હજાર 267 છે.
બીજી તરફ રાજ્યના નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો બાળકોને ભણાવતા હોવાનો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં RTE ની જોગવાઇ મુજબ લાયકાત ના ધરાવતા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો લેખિતમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 1885 શિક્ષકો લાયકાત વગરના છે. રાજ્યની 760 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. સરકારના બચાવમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે તાલીમી શિક્ષકો ના મળતા હોવાથી લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે