Re Invest 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024)નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે. આ એક્સ્પો આ એક્શન પ્લાનનો એક ભાગ છે. તેમણે તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે અમારા પ્રથમ 100 દિવસ અમારી પ્રાથમિકતા, ઝડપ અને સ્કેલનું પણ પ્રતિબિંબ છે.
વડાપ્રધાને કહ્યું કે અમે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી એવા દરેક ક્ષેત્ર અને પરિબળ પર ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની સરકારે પ્રથમ 100 દિવસમાં ગ્રીન એનર્જી સાથે સંબંધિત ઘણા નિર્ણયો પણ લીધા. પીએમ મોદીએ કહ્યું કે ભારત 31 હજાર મેગાવોટ હાઇડ્રોપાવર જનરેટ કરવા માટે પણ કામ કરી રહ્યું છે. આ માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારત આવનારા એક હજાર વર્ષ માટે આધાર તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં રિન્યુએબલ એનર્જીની માંગ વધી રહી છે. સરકાર આ માટે નીતિ બનાવી રહી છે અને સંપૂર્ણ સહકાર આપી રહી છે.
તેમણે કહ્યું હતું કે આપણે માનવજાતની ચિંતા કરનારા લોકો છીએ. અમારો લક્ષ્યાંક ફક્ત ટોપ પર પહોંચવાનો નથી પરંતુ અમારો લક્ષ્યાંક ટોચ પર ટકી રહેવાનો છે. સોલાર પાવર, ગ્રીન પાવરના દમ પર ભવિષ્યને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. રૂફ ટોપ સોલાર યોજનાથી દેશના તમામ ઘર પાવર પ્રોજેક્ટ બનશે. અત્યાર સુધીમાં સવા ત્રણ લાખ ઘરોમાં રૂફ ટોપનું ઈન્સ્ટોલેશન થયું છે. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો છે. છેલ્લા 100 દિવસમાં 12 નવા ઈન્ડસ્ટ્રીયલ શહેરો બનાવવાનો નિર્ણય લેવાયો છે. ક્લિન ગ્રીન ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. 2030 સુધીમાં 500 GW જેટલી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMના રૂપમાં વિઝનરી નેતા મળ્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશનો વિકાસ થયો છે. મોઢેરા દેશનું પ્રથમ સોલર વિલેજ બન્યું છે. ગ્રીન એનર્જી સેક્ટરમાં ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદ છે.
ઉર્જા મંત્રીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
આ એક્સ્પોમાં નવા અને રિન્યુએબલ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આગળ વધ્યું છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ વૃદ્ધિ ઊર્જાની અભૂતપૂર્વ માંગને આગળ વધારી રહી છે અને અમે રિન્યુએબલ ઊર્જામાં નોંધપાત્ર પ્રગતિ સાથે આ માંગને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ કોન્ફરન્સ ત્રણ દિવસ સુધી ચાલશે
સોમવારથી ગુજરાતના ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર મીટ અને એક્સ્પોનો પ્રારંભ થયો છે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાશે. અગાઉ આ ઈવેન્ટ 2015, 2018 અને 2020માં યોજાઈ હતી. આ વખતે રાજધાની દિલ્હીની બહાર ઈવેન્ટનું આયોજન પહેલીવાર થયું છે. આ કાર્યક્રમનું આયોજન રિન્યુએબલ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં સરકાર, ઉદ્યોગ અને નાણાકીય ક્ષેત્રની 10 હજારથી વધુ હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.