ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં બે રાજ્યસભાના સાંસદોના કોરોના થયા પછી ફેફસાની સારવાર દરમિયાન નિધન થતાં શોકની લાગણી ફરી વળી છે. ત્યારે કોરોનાની સારવાર પછી વધુ એક રાજ્યસભાના સાંસદની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે.


કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર આવ્યા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહ ગોહિલને હવે ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. તો પોતાના સમર્થકો અને કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. ત્યારે સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો.


નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શનને કારણે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાની ચપેટમાં આવેલા સાંસદોની વાત કરીએ તો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના બંને સાંસદો કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.