ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, ૬ ડિસેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ કરાવશે. આ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન ૨૪૬ તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત ૨૦૦૫થી કરવામાં આવી છે.
આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે ૧૨ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ થવાનું છે. રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી આયોજનનો લાભ અંદાજે ૨.૫૦ લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે.
રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩,૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
આ પણ વાંચો...