ગાંધીનગર: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તે વિસ્તારના ખેડૂતોમાં ખુશી છે. ત્યારે વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. આ વિસ્તારમાં ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે ઓછો વરસાદ હોય તેવા વિસ્તારોમાં બે કલાક વધુ વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે.
વિધાનસભામાં બોલતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી હતી કે ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં વધુ બે કલાક કૃષિલક્ષી વીજપુરવઠો આપવામાં આવશે. સૌરભ પટેલે કહ્યું કે, જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોને રાહત મળે તે માટે જરૂર હશે ત્યાં સુધી આઠ કલાકને બદલે 10 કલાક વિજળી આપવામાં આવશે. સૌરભ પટેલે કહ્યુ કે, વિવિધ ધારાસભ્યો અને કૃષિ સંગઠનોની રજૂઆતોને પગલે સરકારે આ નિર્ણય લીધો છે.
દરમિયાન વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોગ્રેસના મહિલા ધારાસભ્યને ભાજપમાં આવવાની ઓફર કરી દીધી હતી. વાસ્તવમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો કે મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને મંત્રી બનાવવા માંગો છો કે કેમ? જેના જવાબમાં પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજપે લોકસભામાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો.