ગાંધીનગરઃ રૂપાણી સરકારે કોરોના મહામારીમાં વાલીઓને રાહત આપતા અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. સરકારે શાળાઓને ત્રણ મહિના રાહત આપવાની સૂચના આપી છે.ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે. ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. સાથે જ ચૂડાસમાએ કહ્યું કે, વાલીઓને ત્રણ મહિનાની રાહત આપવા માટે રાજ્ય સરકારે શાળાઓને સૂચના આપી છે. સાથે જ રાજ્ય સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈપણ શાળા વાલીઓ પાસે ફી ભરવા અંગે દબાણ નહી કરી શકે. શાળાઓ પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી સ્કૂલમાંથી જ લેવા પણ દબાણ કરી શકશે નહી.

તેમણે કહ્યું કે  સ્ટેટ બોર્ડના પુસ્તકો સિવાય અન્ય પબ્લિકેશનના પુસ્તકો લેવા પણ શાળાઓ વાલીઓને દબાણ કરી શકશે નહી. આ અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઈઓને આદેશ આપ્યા છે. આ નિયમોના પાલન અંગે મોનિટરીંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ ફરિયાદ કરશે તો તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.