નહેરમાંથી પાણી ચોર્યુ તો ગયા, રૂપાણી સરકાર સુધારા વિધેયકમાં લાવી રહી છે સજાની આ ખાસ જોગવાઇઓ
abpasmita.in | 23 Jul 2019 04:14 PM (IST)
અનઅધિકૃત રીતે નહેરમાંથી પાણી ખેંચવુ, પાઇપલાઇન નાંખવી વગેરે માટે પણ કડક સજા અને દંડની જોગવાઇઓ છે
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની તંગીના કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. ખેતી તથા અન્ય બીજા કામો માટે અસામાજિક તત્વો નહેરોમાંથી પાણીની ખુલ્લેઆમ ચોરી કરી રહ્યાં છે, આ કુટેવને ડામવા હવે રૂપાણી સરકાર એક્શનમાં આવી છે. વિધાનસભમાં પાણી ચોરો સામે કડક પગલાં લેવા માટે સુધારા વિધેયક પસાર કરવામાં આવશે, આ સુધારા વિધેયકમાં મોટો દંડ અને ખાસ સજાની જોગવાઇઓ રાખવામાં આવી છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં નહેરોમાંથી પાણી ચોરી થતી અટકાવવા માટે સરકાર વિધાનસભમાં ગુજરાત સરકાર સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક લાવશે. જેમાં પાણી ચોરી કરતાં પકડાશે તો 3 મહિનાથી 2 વર્ષ સુધીની કડક કેદી સજા છે, સાથે સાથે 10 હજારથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે. નહેરમાં છેડ, ગાબડુ પાડીને નહેરની મજબૂતાઇ કે સલામતીને નુકશાન પહોંચાડવામાં આવે તો તેને બે વર્ષની સજા અને બે લાખનો દંડ થઇ શકે છે. નહેરોમાં પાણીને પ્રદુષિત કરનાર કે પ્રવાહી કે પછી ઘનકચરો નાંખનારને એક વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ થઇ શકે છે. ઉપરાંત અનઅધિકૃત રીતે નહેરમાંથી પાણી ખેંચવુ, પાઇપલાઇન નાંખવી વગેરે માટે પણ કડક સજા અને દંડની જોગવાઇઓ છે.