ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહિના અગાઉ મોટી જાહેરાત કરી હતી કે, ગરીબ અને નીચલા મધ્યમ વર્ગને લોકડાઉનના કપરા સમયમાં વીજળી બિલમાં 100 યુનિટ સુધીનું વીજળી બિલ માફ કરવામાં આવશે.

રાજ્યની તમામ વીજળી કંપનીઓએ મોકલેલાં બિલોમાં આ મહિને લોકોને રાહત નહીં અપાતાં લોકો ચિંતામાં પડ્યાં હતા ત્યારે રૂપાણી સરકારે 22 જૂને પિરપત્ર બહાર પાડીને આ ચિંતા દૂર કરી છે. રૂપાણી સરકારે પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યમાં 200 યુનિટ કરતાં ઓછો વપરાશ ધરાવનાર ગ્રાહકોનું 100 યુનિટનું વિજ બિલ માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમનો એક મહિનાનો ફિક્સ્ડ ચાર્જ પણ માફ કરાશે. આ અંગેનો પરિપત્ર જાહેર થઇ ચૂક્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર પર 600 કરોડનો બોજો પડશે. રાજ્યના 92 લાખ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે.

રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનારા વીજ ગ્રાહકોનું 100 યુનિટ વીજળીનું બિલ એક વખત માટે માફ કરવામાં આવશે.

રહેણાંક વીજ ગ્રાહકોના લૉકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડીંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડીંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેના 30 દિવસથી ગુણી જે સદર વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે યોગ્યતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ અને એક મહિનાના ફીક્સ્ડ ચાર્જની માફી મળશે.