અમદાવાદઃ કોરોના મહામારીને કારણે હાલ, સમગ્ર દેશમાં અનલોક-1 ચાલી રહ્યું છે, જે પણ હવે 30મી જૂને પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે 1 જૂલાઇથી શરૂ થનારા અનલોક-2માં લોકોને શું શું રાહત મળશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે રાજ્ય સરકારે પણ અનલોક-2 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઈ કાલે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહતી. રાજ્ય સરકાર અનલોક-2માં હવે વધુ રાહતો આપે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.


અનલોક-1 લાગુ કરાયા પછી કોરોનાના કેસો વધવાનું ચાલું છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો ઘટ્યા છે અને તેની સામે રિકવરી રેટ વધ્યો છે. ત્યારે સૂત્રોના મતે રાજ્ય સરકાર રાત્ર કર્ફ્યૂમાં છૂટછાટ આપી શકે છે. સૂત્રોના મતે અનલોક-2માં કર્ફ્યૂનો સમય રાતના 12 વાગ્યાથી સવારના 5 પાંચ વાગ્યા સુધી કરવામાં આવી તેવી શક્યતા છે.

નોંધનીય છે કે , હાલમાં રાત્ર 9 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવે છે. હોટલ-રેસ્ટોરન્ટ ધારકો દ્વારા પણ રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ અંગે ધારાસભ્ય અને સાંસદો પાસે અભિપ્રાય મંગાવાયા છે. એટલું જ નહીં, અગાઉ મુખ્યમંત્રી રૂપાણીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે ગુજરાતમાં લોકડાઉન લગાવાવનો પ્રશ્ન જ નથી.