ગાંધીનગરઃ ગુજરાત સરકારે આગામી 23 નવેમ્બરે સ્કૂલો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.  રાજ્ય સરકારે 10 ઓક્ટોબરના ઠરાવ પ્રમાણે 23 નવેમ્બરે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરુ કરવા માટે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સ્કૂલોમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા માટે વાલીઓનું લેખિત સંમતિ પત્રક પણ મેળવવાનું કહ્યું છે.


રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે સોમવાર, બુધવાર અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણના 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શકાશે જ્યારે અઠવાડિયામાં બાકીના ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર, શનિવારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાના રહેશે.


રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી તમામ સરકારી/ સ્વ નિર્ભર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન ( ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે. ઓફલાઈન ( ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે.


વિદ્યાર્થીની હાજરી માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિ પત્રક મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ના જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. આ  ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂરદર્શન ડી.ડી. ગિરનાર પરથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે.