અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પરિપત્ર મુજબ આ વર્ષે ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવામાં આવે.
ગુજરાત સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાવાયરસના કારણે વાર્ષિક પરીક્ષા ના લઈ શકાતાં ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં ચડાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કારણે આ વર્ષે ધોરણ 5 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા નથી.
આ પરિપત્ર મૂજબ વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 ગુણભારના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે. આ વખતે ઈ ગ્રેડ મેળવનાર ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના પરિણામમાં ‘માસ પ્રમોશનથી ઉપલા ધોરણમાં ચઢાવ્યાં’ તેવી નોધ કરવામાં આવશે. આ મુજબ પરિણામ તૈયાર કરવાની નિયામકે તમામ ડીઈઓ-ડીપીઈઓને સૂચના આપી છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરાના વાયરસના કારણે 16 માર્ચથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવતાં સ્કૂલોમાં 40 ગુણની દ્વિતીય કસોટી લેવાઈ નથી. આ કારણે પ્રથમ અને બીજા સત્રના રચનાત્મક મૂલ્યાંકનના 80 ગુણ, પ્રથમ સત્રાંત કસોટીના 40 ગુણ અને સ્વઅધ્યયન કાર્યના 40 ગુણ એમ કુલ 160 ગુણના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાના રહેશે.